
નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઇ કરશે રોડ શૉનું નેતૃત્વ
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) ના 10મા સંસ્કરણની તૈયારીઓ હેઠળ દેશ-વિદેશના ઉદ્યોગ જગતના અગ્રણીઓ સાથે વાતચીત કરવા અને તેમને જાન્યુઆરી 2024માં આયોજિત થઇ રહેલી વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં આમંત્રિત કરવા માટે રાજ્ય સરકાર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર રોડ શૉનું આયોજન કરી રહી છે.
નવી દિલ્હીમાં કર્ટેન રેઇઝર કાર્યક્રમ અને ત્યારબાદ મુંબઈ, ચંદીગઢ, અને જાપાનમાં આયોજિત રોડ શૉની ભવ્ય સફળતા બાદ ગુજરાત સરકાર હવે 2 નવેમ્બર, 2023ના રોજ ચેન્નઈ ખાતે રોડ શૉ યોજવા જઇ રહી છે. ગુજરાત સરકારના માનનીય નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ આ રોડ શૉનું નેતૃત્વ કરશે.
માનનીય મંત્રી કનુભાઈ દેસાઈ આ પ્રસંગે વાયબ્રન્ટ ગુજરાત સમિટની 20 વર્ષની સફળતા, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત @2047’ ના વિઝન અને તે વિઝનને સાકાર કરવા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતની સજ્જતા અંગે પોતાના વિચારો રજૂ કરશે.
આ રોડ શૉનો ઉદ્દેશ VGGS 2024ના માધ્યમથી ગુજરાતને ‘ગેટવે ટુ ધ ફ્યુચર’ (ભવિષ્યનું પ્રવેશદ્વાર) તરીકે ઉજાગર કરવાનો છે. તેનાથી બિઝનેસો અને કંપનીઓને સાથે મળીને કામ કરવા અને સહયોગ માટે એક્સપ્લોર કરવાની તકોની સાથે-સાથે ગુજરાતમાં સ્થિત GIFT સિટી, ધોલેરા SIR (સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન) અને માંડલ બેચરાજી SIR (સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન) જેવા ફ્યુચર રેડી મેગા પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવા માટે પણ મદદ મળશે.
CII તમિલનાડુ સ્ટેટ કાઉન્સિલના અધ્યક્ષ અને ABT ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શંકર વનવરયાર સ્વાગત પ્રવચન આપશે. આ રોડ શૉમાં હાજર રહેલા અગ્રણી ઉદ્યોગપતિઓ ગુજરાત અંગેના તેમના અનુભવોને પણ શેર કરશે. આ ઉપરાંત, રોડ શૉ દરમિયાન વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, GIFT સિટી અને ધોલેરા SIR (સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન) પર એક ઓડિયો-વિઝ્યુઅલ ફિલ્મનું સ્ક્રિનિંગ પણ કરવામાં આવશે.
ત્યારબાદ ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના કમિશ્નર ઓફ લેન્ડ રેકોર્ડ્સ અને એક્સ ઓફિશિયો સેક્રેટરી સ્વરૂપ પી. (IAS) દ્વારા ગુજરાતમાં રહેલી બિઝનેસની તકો અંગે એક પ્રેઝન્ટેશન આપવામાં આવશે. CII દ્વારા આભારવિધિ સાથે આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવશે.