Wednesday, December 4News That Matters

‘દક્ષિણ ભારતનું ડેટ્રોઇટ’ તરીકે જાણીતા ચેન્નાઈમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 માટેનો રોડ શૉ સંપન્ન

વાયબ્રન્ટ ગુજરાતની 10મી આવૃત્તિ માટે નવી દિલ્હીમાં યોજાયેલા કર્ટન રેઝર અને મુંબઈ, ચંદીગઢ, કોલકાતા અને જાપાનમાં સફળ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રોડ શૉ બાદ, વાયબ્રન્ટ ગુજરાત 2024ના પ્રતિનિધિમંડળે આજે ગુજરાત સરકારના માનનીય નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની આગેવાની હેઠળ ચેન્નાઈ ખાતે રોડ શૉનું સફળતાપૂર્વક સમાપન કર્યું. આ પ્રસંગે ગુજરાત સરકારના અધિકારીઓ સહિત ઉદ્યોગ જગતના પ્રતિષ્ઠિત અગ્રણીઓએ હાજરી આપી હતી.

રોડ શૉ પૂર્વે, ગુજરાતના માનનીય મંત્રી શ્રી કનુભાઈ દેસાઇએ વિવિધ ઉદ્યોગ અગ્રણીઓ સાથે વન-ટુ-વન બેઠક કરી હતી, જેમાં, સ્ટાર હેલ્થ એન્ડ અલાઈડ ઈન્સ્યોરન્સ કંપની લિ.ના એમડી અને સીઇઓ શ્રી આનંદ રોય, અશોક લેલેન્ડ લિ.ના ડેપ્યુટી સીએફઓ શ્રી કે.એમ. બાલાજી, એપોલો હોસ્પિટલ્સ એન્ટરપ્રાઇઝ લિ.ના સીએફઓ શ્રી ક્રિશ્નન અખિલેશ્વરન, MRF લિ.ના વાઇસ ચેરમેન અને એમડી શ્રી અરૂણ મમ્મેન, સિફિ ટેક્નોલોજીસના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને ગ્રુપ સીએફઓ શ્રી એમ.પી. વિજય કુમાર, મેક્સબાઇટ ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિ.ના સીઇઓ શ્રી રામશંકર સી.એસ., યુનાઇટેડ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કં. લિ.ના ચેરમેન શ્રી સત્યજીત ત્રિપાઠી અને ઇન્ડિયન બેંકના એમડી અને સીઇઓ શ્રી શાંતિલાલ જૈનનો સમાવેશ થાય છે.

રોડ શૉમાં સહભાગીઓને સંબોધિત કરવા દરમિયાન શ્રી કનુભાઈ દેસાઈએ વાયબ્રન્ટ ગુજરાત સમિટની સફળતા અંગે વાત કરી હતી અને છેલ્લા બે દાયકામાં ગુજરાત કેવી રીતે વિકાસ માટેનું રોલ મોડેલ અને પસંદગીનું રોકાણ સ્થળ બન્યું છે તેના પર ભાર મૂક્યો હતો. તેમણે રાજ્યના સક્રિય નીતિ-આધારિત અભિગમ, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, રોકાણકારો માટે મૈત્રીપૂર્ણ અભિગમ અને રાજ્યના મજબૂત ઔદ્યોગિક માળખા વિશે પણ વાત કરી હતી.

રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં રાજ્યની અગ્રણી ભૂમિકાની સરાહના કરતા માનનીય નાણામંત્રીએ જણાવ્યું કે, ભારતને નેટ-ઝીરો અર્થતંત્રમાં પરાવર્તિત કરવાની માનનીય વડાપ્રધાનશ્રીની પ્રતિબદ્ધતાને અનુરૂપ રાજ્યએ રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં ઘણી નોંધપાત્ર પહેલો હાથ ધરી છે. માનનીય મંત્રીશ્રીએ એ જણાવતા સંતોષ વ્યક્ત કર્યો હતો કે ગુજરાતે તેની રિન્યુએબલ એનર્જી ક્ષમતા 20 ગીગાવોટ (GW) સુધી પહોંચાડીને નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે, જે દેશની કુલ રિન્યુએબલ એનર્જી ક્ષમતામાં 15% યોગદાન આપે છે.

સસ્ટેનેબલ પ્રેક્ટિસિસ માટે રાજ્યની પ્રતિબદ્ધતા પર ભાર મૂકતા માનનીય મંત્રીશ્રીએ કચ્છમાં વિકસિત થઈ રહેલા વિશ્વના સૌથી મોટા હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક અંગે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, “ગુજરાતે તેના ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ 100 ગીગાવોટ (GW) પુનઃપ્રાપ્ય ઊર્જાનું ઉત્પાદન કરવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે, જે રાજ્યનો ભવિષ્યલક્ષી અભિગમ દર્શાવે છે. તાજેતરમાં જાહેર થયેલી ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી પણ વિંડ, સોલાર અને હાઇબ્રિડ ટેક્નોલોજી આધારિત રિન્યુએબલ જનરેશન પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવા માટેના રાજ્યના સમર્પણને દર્શાવે છે.”

તેમણે ગિફ્ટ સિટી, ડાયમંડ રિસર્ચ અને મર્કેન્ટાઇલ સિટી (DREAM સિટી), ધોલેરા SIR, વગેરે જેવા ગુજરાતના ફ્યુચર રેડી મેગા પ્રોજેક્ટ્સ અંગે પણ વાત કરી. વધુમાં, તેમણે સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનને આગળ વધારવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને હાઇલાઇટ કરી. તેમણે જણાવ્યું કે, “ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસીનો અમલ કરનાર દેશનું પ્રથમ રાજ્ય છે, જેનો ઉદ્દેશ્ય સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબ મેન્યુફેક્ચરિંગ માટે ભારતના પસંદગીના સ્થાન તરીકે પોતાને સ્થાપિત કરવાનો છે. આગામી વાયબ્રન્ટ ગુજરાત સમિટ સેમિકન્ડક્ટર સેક્ટર, સસ્ટેનેબલ મેન્યુફેક્ચરિંગ, ગ્રીન હાઇડ્રોન, ઇલેક્ટ્રિક મોબિલિટી, રિન્યુએબલ એનર્જી અને ઇન્ડસ્ટ્રી 4.0 જેવા મહત્વના વિષયો પર સેમિનાર અને કોન્ફરન્સનું પણ આયોજન કરશે.”

માનનીય મંત્રી શ્રી કનુભાઈ દેસાઇએ આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 માટે તમામ સહભાગીઓને આમંત્રણ આપ્યું હતું અને ગુજરાતમાં રોકાણ કરવા માટે અને દેશની વિકાસ યાત્રામાં સક્રિય ભાગીદારી કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

રોડ શૉની શરૂઆતમાં CII તમિલનાડુની પોલિસી એડવોકેસી પેનલના સહ-અધ્યક્ષ તેમજ સિફિ ટેક્નોલોજીસના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને સીએફઓ શ્રી એમ.પી. વિજય કુમાર દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ વાયબ્રન્ટ ગુજરાત પર એક ઓડિયો-વિઝ્યુઅલ ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી હતી. TANFAC ઈન્ડસ્ટ્રીઝ લિ.ના મેનેજિંગ ડાયરેક્ટર અને અનુપમ રસાયણ લિ.ના નોમિની ડાયરેક્ટર શ્રી કે. સેન્ધિલ નાથન અને MRFના જનરલ મેનેજર શ્રી સાજી વર્ગીસે ગુજરાત અંગેના તેમના અનુભવો શેર કર્યા હતા.

ગુજરાત સરકારના જમીન સુધારણાના કમિશનર અને એક્સ-ઓફિશિયો સેક્રેટરી શ્રી સ્વરૂપ પી. (IAS) એ ગુજરાતમાં ઉપલબ્ધ વ્યાપારની વિશાળ તકો અંગે વિસ્તૃત રજૂઆત કરી હતી. ઉત્તર ગુજરાત વીજ કંપની લિ.ના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી અરૂણ મહેશ બાબુ, IAS દ્વારા આભારવિધિ સાથે આ રોડ શૉનું સમાપન થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *