Thursday, May 30News That Matters

ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે મહાત્મામંદિર ગાંધીનગર ખાતે ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો શાનદાર પ્રારંભ કરાવ્યો હતો.

આ કાર્યક્રમમાં યુ.એ.ઇ.ના પ્રેસીડેન્ટ, ચેક રીપબ્લિકનના પ્રાઇમ મીનીસ્ટર, મોઝામમ્બિકના પ્રેસીડેન્ટ, તીમોરલેસ્ટના પ્રેસીડેન્ટ, ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહિત ૧૩૦ કરતાં પણ વધુ દેશોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
દેશના અમૃતકાળની પ્રથમ અને ગુજરાતની ૧૦મી વાઇબ્રન્ટ સમિટને ખુલ્લી મૂકતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, દેશને આઝાદ થયાના ૭૫ વર્ષ પૂર્ણ થયાં હવે આગામી ૨૫ વર્ષ એ જ લક્ષ્ય પર આગળ વધતાં ૧૦૦ વર્ષની પૂર્ણતાએ વર્ષ ૨૦૪૭માં વિકસિત ભારતના નિર્માણનું આપણું લક્ષ છે.
તેમણે ઉમેર્યું હતું કે, અમૃતકાળની આ પ્રથમ વાઇબ્રન્ટ સમીટ નવા સપના – સંકલ્પ અને સિદ્ધિઓને સાકાર કરવાનું મહત્ત્વપૂર્ણ માધ્યમ બની રહેશે.

આ અમૃતકાળની પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ઉપસ્થિત ૧૦૦થી વધુ દેશોના પ્રતિનિધિઓને તેમણે ભારતની વિકાસયાત્રામાં મહત્ત્વના સહયોગી ગણાવ્યા હતા. વાઇબ્રન્ટ સમિટ ઇકોનોમિક ડેવલપમેન્ટ અને ઇન્વેસ્ટમેન્ટ સાથે જોડાયેલી જાણકારીઓ અને અનુભવો વહેંચવાનું ગ્લોબલ પ્લેટફોર્મ બન્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું.

વાઇબ્રન્ટ સમિટમાં યુએઈના રાષ્ટ્રપ્રમુખ શ્રી શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનના નેતૃત્વ હેઠળ યુએઈના સહયોગી થવા અંગે આનંદ વ્યક્ત કરતા વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે સમિટના મુખ્ય મહેમાનપદે યુએઈના રાષ્ટ્રપ્રમુખની ઉપસ્થિતિ બંને દેશો વચ્ચે દિન-પ્રતિદિન મજબૂત બનતા આત્મીય સંબંધોનું પ્રતીક છે. ભારત અને યુએઈ વચ્ચે ઘનિષ્ઠ બનતા જતા વ્યાપારિક સંબંધો ઉપર પ્રકાશ પાડતા વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું હતું કે ફૂડ પાર્કના વિકાસ, રિન્યુએબલ એનર્જી અને ઇનોવેટિવ હેલ્થ કેરમાં રોકાણ, ભારતમાં પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે યુએઈની કંપનીઓ દ્વારા બિલિયન ડોલરથી વધુના રોકાણ અંગે સમજૂતી કરારો થયા છે. યુએઈના સોવેરન ફન્ડઝ દ્વારા ગિફ્ટ સિટીમાં શરૂ થયેલા ઓપરેશન અને ટ્રાન્સવર્લ્ડ કંપની દ્વારા શરૂ થનારા એરક્રાફટ અને શીપ લીઝિંગ પ્રવૃત્તિઓ વિશે ઉલ્લેખ કરતાં વડાપ્રધાનશ્રીએ બંને દેશોના નવી ઊંચાઈએ પહોંચેલા સંબંધોનો શ્રેય યુએઈના રાષ્ટ્રપ્રમુખશ્રી શેખ મોહમ્મદ બિન ઝાયેદને આપ્યો હતો.

મોઝામ્બિકના રાષ્ટ્રપતિ શ્રીયુત ફિલિપે ન્યુસીને સમિટમાં આવકારતા તેમણે જણાવ્યું હતું કે તેઓ આઇઆઇએમ અમદાવાદના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. ભારતની અધ્યક્ષતા હેઠળ g20માં કાયમી સભ્યપદ મળવા અંગે તેમણે ગર્વ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે મોઝામ્બિકના રાષ્ટ્રપતિની ઉપસ્થિતિ દેશો વચ્ચેના સંબંધો ઉપરાંત ભારત અને આફ્રિકા વચ્ચેના સંબંધોની પણ ઘનિષ્ઠ બનાવશે.

ચેક રિપબ્લિક શરૂઆતથી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં સહયોગી રહ્યું હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે ચેકના પ્રધાનમંત્રી શ્રીયુત પીટર ફીઆલાએ પ્રધાનમંત્રી તરીકે પ્રથમ ભારતની લીધેલ મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધો વધુ ઘનિષ્ઠ બનશે. પ્રધાનમંત્રીએ ઓટોમોબાઇલ, ટેકનોલોજી અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે સહકાર અંગે જણાવ્યું હતું.

ડેમોક્રેટીક રિપબ્લિક ઓફ તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિશ્રી જોસ રામોઝ હોર્તાનું સ્વાગત કરતા શ્રી નરેન્દ્ર ભાઈએ જણાવ્યું હતું કે ગાંધીજીના અહિંસાના સિદ્ધાંતને પોતાના દેશના સ્વતંત્ર સંગ્રામ સાથે જોડનારા શ્રી જોઝેની ગાંધીનગરની મુલાકાત વિશેષ છે. તેમણે આસીયાન સહિતના સંગઠનોમાં તિમોર લેસ્તે સાથેના સહયોગને અતિ અગત્યનો ગણાવ્યો હતો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ૨૦ વર્ષોમાં વાઇબ્રન્ટ સમિટે વૈશ્વિક સ્તરે નવા વિચારોને પ્લેટફોર્મ આપ્યું છે તેમજ નવા રોકાણો અને વળતર માટે નવો માર્ગ કંડાર્યો છે. ૨૦મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટની થીમ ‘ગેટ વે ટુ ધી ફ્યુચર’નો ઉલ્લેખ કરતાં તેમણે ઉમેર્યું કે ૨૧મી સદીના વિશ્વનું ઉજ્જવળ ભવિષ્ય સંયુક્ત પ્રયાસોથી જ શક્ય બનશે. ભારતની જી-૨૦ અધ્યક્ષતા દરમિયાન વિશ્વના ભવિષ્ય માટેનો એક રોડ મેપ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો અને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના વિઝનના માધ્યમથી તેને આગળ ધપાવવામાં આવી રહ્યો છે.

ભારત I2U2 અને અન્ય બહુપક્ષીય સંસ્થાઓ સાથેની ભાગીદારી મજબૂત કરી રહ્યું છે. ‘વન વર્લ્ડ, વન ફેમિલી, વન ફ્યુચર’નો સિધ્ધાંત વિશ્વ કલ્યાણની અનિવાર્ય આવશ્કતા બન્યો છે.

ભારતનો વન વર્લ્ડ, વન ફેમિલી, વન ફ્યુચરનો સિદ્ધાંત વિશ્વકલ્યાણ માટે અનિવાર્ય અવશ્યકતા છે. ભારત દેશ વિશ્વમિત્ર બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે. ભારતે વિશ્વને સમાન સામુહિક લક્ષ્યાંકો હાંસલ કરી શકાય છે તેઓ વિશ્વાસ આપ્યો છે. વૈશ્વિક કલ્યાણ માટે ભારતની પ્રતિભત્તા નિષ્ઠા પ્રયાસ અને કઠોળ પરિશ્રમ જ વિશ્વને વધુ સુરક્ષિત અને સમૃદ્ધ બનાવી રહ્યા છે. વિશ્વ હવે ભારતને સ્થિરતાના પર્યાય તરીકે, વિશ્વાસપાત્ર મિત્ર તરીકે, જન કેન્દ્રિત વિકાસમાં વિશ્વાસ રાખતા ભાગીદાર તરીકે, વૈશ્વિક અર્થતંત્રમાં વૃદ્ધિના એન્જિન તરીકે, ઉકેલો શોધતા ટેકનોલોજીના કેન્દ્ર તરીકે, પ્રતિભાશાળી યુવાનોનું પાવર હાઉસ અને સફળ લોકશાહી તરીકે જુએ છે.

પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ભારત દેશના ૧.૪ બિલિયન નાગરિકોના શક્તિ-સામર્થ્ય તેમજ જન કેન્દ્રીત સર્વસમાવેશકતા અને સમાનતા પ્રત્યેની સરકારની પ્રતિબધ્ધતાના વૈશ્વિક સમૃદ્ધિ અને વિકાસના પ્રેરક પરિબળો છે. તેમણે જણાવ્યું હતું કે, ભારત દુનિયાનું પાંચમુ સૌથી મોટું અર્થતંત્ર છે ત્યારે ૧૦ વર્ષ અગાઉ તે ૧૧માં સ્થાને હતું. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આગામી વર્ષોમાં ભારત વિશ્વની ટોપ-થ્રી અર્થવ્યવસ્થાઓમાં સ્થાન મેળવશે. નિષ્ણાંતો આનું વિશ્લેષણ કરે પણ હું ખાતરી આપું છું કે, ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે જ.’’

અનેક અનિશ્ચિતતાઓથી ઘેરાયેલા વિશ્વ માટે ભારત દેશ એક નવી આશા બની રહ્યો છે તેમ જણાવી પ્રધાનમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, સ્થાયી ઉદ્યોગો, ઉત્પાદન અને માળખાગત સુવિધા નવા યુગના કૌશલ્યો, અધ્યતન ટેકનોલોજીથી સજ્જતા, ઇનોવેશન, ગ્રીન હાઈડ્રોજન, પુનઃપ્રાપ્ય ઊર્જા અને સેમિકન્ડક્ટર્સ જેવા ક્ષેત્રોમાં ભારતમાં અનેક તકો રહેલી છે.

વડાપ્રધાનશ્રીએ અર્થતંત્રના સ્થાયિત્વ અને અવિરત ગતિના આધાર તરીકે માળખાગત સુવિધાઓના નિર્માણને કારણભૂત ગણાવ્યું હતું જેનાથી અર્થતંત્રની ક્ષમતા, સામર્થ્ય અને સ્પર્ધાત્મકતામાં વધારો થઈ શક્યો છે. GSTના કારણે કરવેરામાં સરળીકરણ શક્ય બન્યું છે. વડાપ્રધાનશ્રીએ આ તકે યુએઈ સાથે કરાયેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)નો પણ ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે FTAના કારણે માળખાગત સુવિધાઓમાં રેકોર્ડ રોકાણ અને કેપેક્સમા પાંચ ગણો વધારો થયો છે. વડાપ્રધાનશ્રીએ ગ્રીન અને વૈકલ્પિક ઊર્જાના સ્ત્રોતોમાં અમાપ પ્રગતિ પુનઃપ્રાપ્ય ઉર્જાની ક્ષમતામાં ત્રણ ગણો વધારો, સૌર ઊર્જાની ક્ષમતામાં 20 ગણો વધારો આકર્ષણનું કેન્દ્ર બનશે. ડેટાની વાજબી કિંમતથી છેવાડાના માનવી સુધી મોબાઇલ નેટવર્ક પહોંચ્યું છે. દરેક ગામમાં ઓપ્ટિકલ ફાઇબર, 5Gની ઉપલબ્ધ એક લાખથી વધુ રજીસ્ટર્ડ સ્ટાર્ટઅપની સાથે ત્રીજા ક્રમની સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમનો પણ વડાપ્રધાનશ્રીએ ઉલ્લેખ કર્યો હતો.

દેશમાં થઈ રહેલા પરિવર્તનોથી ઇઝ ઓફ લિવિંગમાં સતત સુધારો થઈ રહ્યો છે તેમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં ૧૩ કરોડથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે એટલું જ નહીં મધ્યમ વર્ગની સરેરાશ આવકમાં સતત વૃદ્ધિ થઈ રહી છે તેમણે ભારતમાં રોકાણ કરવા સૌ પ્રતિનિધિઓને અપીલ કરી હતી.

વડાપ્રધાનશ્રી મોદીએ લોજિસ્ટિક્સ અને પરિવહન વ્યવસ્થામાં આધુનિક નીતિગત સુધારાઓથી વિકાસને નવી ઊંચાઈ મળી છે તેનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે એક દાયકામાં એરપોર્ટની સંખ્યા 74 થી 159 થઈ. રાષ્ટ્રીય ધોરીમાર્ગનું નેટવર્ક બમણું કરવા મેટ્રો નેટવર્ક ત્રણ ગણું કરવા ડેડીકેટેડ ફ્રેઈટ કોરીડોર રાષ્ટ્રીય જળમાર્ગો, બંદરોના વિકાસ ઉપરાંત g20 દરમિયાન જેની ઘોષણા કરવામાં આવી તેવા ઇન્ડિયા મિડલ ઇસ્ટ યુરોપ ઇકોનોમિક કોરીડોર પર પણ તેમણે પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે આ ક્ષેત્રોમાં રોકાણની અનેક તકો રહેલી છે. ભારતમાં અનેકવિધ ક્ષેત્રોમાં રોકાણ ની નવી સંભાવનાઓ રહેલી હોવાનું જણાવ્યું વડાપ્રધાન શ્રી એ વાઇબ્રન્ટ ગુજરાત સમિતને રોકાણોના પ્રવેશ દ્વાર તરીકે ગણાવી હતી તેમણે એમ પણ જણાવ્યું હતું કે તમે માત્ર ભારતમાં જ રોકાણ નથી કરી રહ્યા પરંતુ યુવા સર્જકો ગ્રાહકોની નવી પેઢીનું પણ ઘડતર કરી રહ્યા છો ભારત દેશની મહત્વકાંક્ષી યુવા પેઢી સાથેની સહભાગીતા નવાજ પરિણામો લાવશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય.
-: મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ :-

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ સમિટની દસમી એડિશનમાં ઉપસ્થિત વિશ્વનાં વિવિધ દેશોનાં વડાઓ, વૈશ્વિક નેતાઓ અને ગ્લોબલ બિઝનેસ કમ્યુનિટીનું ગુજરાતની ધરતી ‘પર’ ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ સ્વાગત પ્રવચનમાં કહ્યું કે, ભારતના અમૃતકાળની પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આપણા અમૃત ભવિષ્યનો રોડમેપ તૈયાર કરશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી વાઈબ્રન્ટ સમિટના પાયોનિયર અને આર્કિટેક્ટ છે અને તેમણે આ વાઈબ્રન્ટ સમિટને બિઝનેસ બ્રાન્ડિંગની સાથે બોન્ડિંગની પણ સમિટ કહી છે તે વાતને વિશ્વભરના રાષ્ટ્ર અધ્યક્ષો અને ઉદ્યોગકારોની VGGS-24માં વિશાળ ઉપસ્થિતિએ પુરવાર કરી છે.

તેમણે ઉમેર્યું કે, સમિટની બે દશકની સફળતાએ આ સમિટને નોલેજ શેરિંગ તથા નેટવર્કિંગ માટેનો સન્માનિત મંચ બનાવી દિધો છે એટલું જ નહીં વડાપ્રધાનશ્રીએ ૨૦૦૩માં આપેલા મંત્ર ‘ગુજરાત કેન એન્ડ ગુજરાત વિલ’ને પણ વૈશ્વિક વિકાસથી આપણે સાકાર કર્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, સમિટની થીમ ‘ગેટ વે ટુ ધી ફ્યુચર’ છે અને વડાપ્રધાનશ્રીએ આપેલી વિવિધ રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ સેમીકન્ડક્ટર અને ઇલેક્ટ્રૉનિક્સ, ગ્રીન હાઇડ્રોજન, રિન્યૂએબલ એનર્જી, ઇલેક્ટ્રિક મોબિલિટી જેવા ફ્યુચરિસ્ટિક સેક્ટર અને એમ.એસ.એમ.ઈ. તથા સ્કિલ ડેવલપમેન્ટ પર આ સમિટ ફોકસ્ડ છે.

મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભે જણાવ્યું કે આ વાઈબ્રન્ટ સમિટ અંતર્ગત થઈ રહેલા એમ.ઓ.યુ.માંથી ૫૦% એમ.ઓ.યુ. ગ્રીન એમ.ઓ.યુ. છે. પર્યાવરણની રક્ષાની અને કલાઈમેટ ચેન્જ સામે લડવાની ગુજરાતની પ્રતિબદ્ધતા આ એમ.ઓ.યુ.દર્શાવે છે.

મુખ્યમંત્રીશ્રીએ વાઈબ્રન્ટ ગુજરાત સમિટની સફળતા અંગે ગૌરવભેર કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દરેક વાઈબ્રન્ટ સમિટમાં ગુજરાતના વર્લ્ડ ક્લાસ ડેવલપમેન્ટનું વિઝન અને નવા ઈનિશિએટિવ્ઝની પ્રેરણા પૂરી પાડી છે. તેમની આ પ્રેરણાને પરિણામે જ ગુજરાત આજે રોકાણ માટેનું શ્રેષ્ઠ સ્થાન અને દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની પોલિસી ડ્રિવન સ્ટેટ તરીકેની ઓળખ કાયમ રાખવાની પ્રતિબદ્ધતા અંગે કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ગુજરાત પ્રત્યેક પોલિસીઝ માટે સમર્પિત છે અને તેનું સન્માન કરે છે.

તેમણે ગુજરાતને ગ્લોબલ ફાઈનાન્શિયલ હબ બનાવવામાં વડાપ્રધાનશ્રીના યોગદાનનો વિશેષ ઉલ્લેખ કરતા જણાવ્યુ હતું કે, વડાપ્રધાનશ્રીએ ગુજરાતને ગ્લોબલ ફાઈનાન્શિયલ એક્ટિવિટીઝ શરૂ કરવાનું વિઝન આપ્યું હતું, તેના પરિણામે આજે ગિફ્ટ સિટી વિશ્વની અનેક મોટી ફાઈનાન્શિયલ અને ફિનટેક કંપનીઓનું હબ બની ગયુ છે.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ ના સહભાગી ‌૩૪ પાર્ટનર કંટ્રી ઔર ૧૬ પાર્ટનર ઑર્ગનાઇઝેશન્સના પ્રતિનિધિઓ તથા ૧૩૦થી વધુ દેશોંના ડેલિગેટ્સ, ગ્લોબલ ઈન્ડસ્ટ્રી એન્ડ બિઝનેસ કોમ્યુનિટીના ચેયર પરસન્સ, સી.ઈ.ઓ.ઝ તથા સિનિયર રિપ્રેઝેન્ટેટિવ્ઝની સહભાગીતા થી સમિટની સફળતાની અપેક્ષા દર્શાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *