
વાઈબ્રન્ટ ગુજરાત ડેલિગેશને ઈટાલી, જર્મની અને ડેન્માર્કની મુલાકાત લીધી
**
ગાંધીનગર, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2024ના ભાગરૂપે, VGGS 2024 પ્રતિનિધિમંડળે ગુજરાત સરકાર સાથે સંભવિત સહયોગ અને રોકાણો વિશે રચનાત્મક ચર્ચામાં મેનેજમેન્ટના વડાઓ સાથે જોડાવા માટે યુરોપની મુલાકાત લીધી. પ્રતિનિધિમંડળે 22 ઓક્ટોબરથી 02 નવેમ્બર 2023 દરમિયાન ત્રણ દેશોની મુલાકાત લીધી હતી, જેમાં ડેન્માર્ક, ઇટાલી અને જર્મનીનો સમાવેશ થાય છે. VGGS પ્રતિનિધિમંડળની આ મુલાકાત યુરોપ સાથે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. મુલાકાત દરમિયાન ₹2024 કરોડથી વધુના રોકાણો માટેના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
VGGS 2024 પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC)ના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી રાહુલ ગુપ્તા, IAS દ્વારા કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઈલાન્ટાસ, જે અલ્ટાના ગૃપનો એક ભાગ છે, તેણે ₹500 કરોડ, કોવેસ્ટ્રોએ ₹50 કરોડ, સ્ટારલિંગરે ₹62 કરોડ, લેચલરે ₹100 કરોડ, અલુપ્લાસ્ટે ₹62 કરોડ, સિસરે ₹250 કરોડ અને શક્તિ ગૃપે ₹1000 કરોડની નોંધપાત્ર રકમના એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. આ દેશો ભારત સાથે મજબૂત દ્વિપક્ષીય સંબંધો ધરાવે છે અને મુલાકાતી પ્રતિનિધિમંડળનો પ્રતિસાદ દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવી રહ્યો છે.
જર્મની
VGGS 2024 પ્રતિનિધિમંડળની મુલાકાત 23 થી 25 ઓક્ટોબર, 2023 દરમિયાન જર્મનીના ફ્રેન્કફર્ટમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસથી શરૂ થઈ હતી. આ મુલાકાતમાં ઈનોપ્લેક્સ, અલ્ટાના ગૃપ, એલાન્ટાસ, BYK- કેમી GMBH, એક્ટેગા (ACTEGA) જેવી અગ્રણી સંસ્થાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજાઈ હતી. આ ઉપરાંત સ્ટારલિંગર, કોવેસ્ટ્રો, લેચર GmbH, અલુપ્લાસ્ટ તેમજ ડ્યુર AG ના ક્લીન ટેક્નોલોજી સિસ્ટમના સીઇઓ સાથે પણ બેઠકો યોજાઈ હતી. ગ્રીન હાઇડ્રોજન પરના રાઉન્ડ ટેબલમાં કિરણ ભોજાની (લીલી નેવિટાસના સીઇઓ), ગેર્ડ લેમર્સ (લીલી નેવિટાસ ખાતે ગ્રીન હાઇડ્રોજન વેલ્યુ ચેઇન માટે સહ-સ્થાપક અને ઇડી), માર્ક શ્વાર્ઝલોઝ (મેનેજિંગ ડિરેક્ટર, સન્ડ્રોનિક્સ) અને સિલ્વિયો રિક્ટર (મેનેજિંગ ડિરેક્ટર, રિક્ટર ટ્રાન્સપોર્ટ) જેવા લોકો ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં, ગુજરાતમાંથી ગ્રીન હાઇડ્રોજનની યુરોપમાં નિકાસ માટે B2B એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, કેટલાક મહત્વના કોલાબોરેશન્સ પણ કરવામાં આવ્યા હતા જેમાં, લિલી નેવિટાસ સાથે વેલસ્પન ગ્રુપ, સન્ડ્રોનિક્સ સાથે વેલસ્પન ગ્રુપ અને લિલી નેવિટાસ સાથે કિરી ઈન્ડસ્ટ્રીઝના કોલાબોરેશનનો સમાવેશ થાય છે. પ્રતિનિધિમંડળે ડ્યુર AG રોબોટિક્સ ફેસિલીટી, ડીફેનબેકર ફેસિલીટી અને જર્મની BASF જેવા સ્થળોની પણ મુલાકાત લીધી હતી.
ઇટાલી
ત્યારબાદ VGGS 2024 પ્રતિનિધિમંડળે 26-27 ઓક્ટોબર, 2023 દરમિયાન ઇટાલીમાં ફ્લોરેન્સ અને મિલાનની મુલાકાત લીધી હતી.
ફ્લોરેન્સ મુલાકાતની શરૂઆત કોન્ફિન્ડસ્ટ્રિયા ફાયરેન્ઝ વાયા વાલફોન્ડાના હેડક્વાર્ટર ખાતે બિઝનેસ સેમિનાર સાથે થઈ. ત્યારબાદ પ્રતિનિધિમંડળે SICER હેડક્વાર્ટરની મુલાકાત લીધી હતી.
મિલાનની મુલાકાતના બીજા દિવસે, પ્રતિનિધિમંડળે SAIPEM ઇટાલી, રેડીસી પ્લાસ્ટિક અને NGV ઇટાલી; મેક્સેડિયા નેટ +; મેક્સેડિયા SpA; એક્વાફિલ, એડવાઈઝર અને COIM ગ્રુપ સહિતની જાણીતી સંસ્થાઓના વડાઓ સાથે અસરકારક વન-ઓન-વન બેઠકો કરી હતી. આ બેઠકોએ ગુજરાત અને મહત્વપૂર્ણ ઇટાલિયન સંસ્થાઓ વચ્ચેના સંબંધોને મજબૂત કરવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી, જે આંતરરાષ્ટ્રીય સહયોગની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.
ઉલ્લેખનીય છે કે ઈન્ડો-ઈટાલિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીના પરિણામે ગુજરાત સરકાર સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
ડેન્માર્ક
જર્મની અને ઇટાલીની મુલાકાત બાદ VGGS 2024 પ્રતિનિધિમંડળે 30-31 ઓક્ટોબર, 2023 દરમિયાન ડેન્માર્કના કોપનહેગનની મુલાકાત લીધી હતી. ડેન્માર્ક વર્ષ 2017થી વાઈબ્રન્ટ ગુજરાતમાં પાર્ટનર દેશ રહ્યો છે. રોડ શૉમાં ડેન્માર્કના વિદેશ મંત્રાલયના ડાયરેક્ટર સાથે VGGS 2024માં ડેન્માર્કની સહભાગિતા અંગે ચર્ચા કરવા માટે બેઠક યોજાઈ હતી. ડેનિશ મેરીટાઇમ એસોસિએશનના સભ્યો, CEO કોન્ફેડરેશન ડેનિશ ઇન્ડસ્ટ્રીઝ (DI) અને ઇન્ડિયન ડેનિશ ચેમ્બર ઓફ કોમર્સના સભ્યો સાથે વાઇબ્રન્ટ ગુજરાત પર એક રાઉન્ડ ટેબલ યોજાયું હતું. આ સાથે, લેગો, એ.પી. મોલર મેર્સ્ક અને કોપહેગન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાર્ટનર્સ સાથે વન-ઓન-વન બિઝનેસ મીટિંગ પણ યોજાઈ હતી.
ખાસ કરીને યુરોપિયન કંપનીઓ માટે શિપિંગ ઉદ્યોગમાં ગ્રીન ફ્યુઅલની નોંધપાત્ર સંભાવનાઓને જોતાં, ગ્રીન મિથેનોલ અને ગ્રીન ઇથેનોલના ઉત્પાદન માટે ગુજરાતમાં એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. એક રાઉન્ડ ટેબલ ચર્ચા દરમિયાન ભારતના રાજદૂત HE સુશ્રી પૂજા કપૂર, IFS ની હાજરીમાં ડેનિશ ચેમ્બર ઓફ કોમર્સ અને ઈન્ડો-ડેનિશ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ વ્યૂહાત્મક રોકાણનો ઉદ્દેશ્ય ગુજરાતના બંદરોને ગ્રીન ફ્યુઅલિંગ અને રિફ્યુઅલિંગ માટે વૈશ્વિક ટ્રાન્ઝિટ હબ બનાવવાનો છે. વધુમાં, કોપનહિલની સાઈટ વિઝિટ પણ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી 2024 માં યોજાનાર વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) ની 10મી આવૃત્તિના ભાગરૂપે, રાજ્ય સરકારે ઉદ્યોગ અને વેપારી અગ્રણીઓ સાથે વાર્તાલાપ કરવા અને તેમને આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં આમંત્રિત કરવા અત્યાર સુધીમાં 5 રાષ્ટ્રીય અને 7 આંતરરાષ્ટ્રીય રોડ-શોનું આયોજન કર્યું છે.