
સાયન્સ સિટીના આકર્ષણમાં સતત વૃદ્ધિ કરવાના ઉપક્રમમાં વધુ એક કદમ
સોમવાર સિવાય દરરોજ મ્યુઝીકલ ફાઉન્ટેનનાં ૨૫ મિનીટનાં ઓછામાં ઓછા બે શો યોજાશે
૩૬ X ૧૬ મીટરની વોટર સ્ક્રીન પર મલ્ટીમીડિયા લેસર સાઉન્ડ શો-૭૦ મીટરની ૩ સ્ક્રીનમાં એકસાથે ૩D પ્રોજેક્શનમાં પ્રસ્તુતી લોકો માટે રોમાંચકારી અનુભવ બની રહેશે
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સાયન્સ સીટી, અમદાવાદ ખાતે નવીનીકરણ પામેલા આકર્ષક મલ્ટિમિડીયા લેસર એન્ડ ફાઉન્ટેનનું લોકાર્પણ કર્યું છે.
૨૦૦૫માં સાયન્સ સિટી ખાતે ૧૦,૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં અદ્યતન સુવિધાઓ અને ટેકનોલોજી સાથે શરૂ કરવામાં આવેલા આ મ્યુઝિકલ ફાઉન્ટેનના નવીનીકરણ બાદ દેશની સૌથી અદ્યતન સાઉન્ડ અને લાઇટ સિસ્ટમ સાથેનો નયનરમ્ય અને આકર્ષક મ્યુઝિકલ ફાઉન્ટેન મુખ્યમંત્રીશ્રીએ શુક્રવારે સાંજે જાહેર જનતા માટે ખુલ્લો મુક્યો હતો.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ૨૦૦૧માં ૧૦૭ હેક્ટર વિસ્તારમાં નિર્માણ થયેલા સાયન્સ સિટીમાં દર વર્ષે એક-એક નવીન ગેલેરી અને નયનરમ્ય આકર્ષણો જોડવાની રાજ્ય સરકારે પરંપરા વિકસાવી છે. તદઅનુસાર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગે સાયન્સ સિટીના મ્યુઝિકલ ફાઉન્ટેનના નવીનીકરણની કામગીરી પૂર્ણ કરી છે.
૫૦ મીટર ઊંચાઈની સેન્ટ્રલ વોટર જેટ, ૮૦૦ જેટલી વિવિધ રંગબેરંગી લાઇટ્સ અને ૧૫ કરતાં વધુ હાર્મોનાઈઝડ મ્યુઝિકલ પેટર્ન સર્જતી ૬૦૦થી પણ વધુ નોઝલ સાથે આ ફાઉન્ટેન મુલાકાતીઓમાં આગવું આકર્ષણ જગાવશે.
એટલું જ નહીં, ૩૬x૧૬ મીટરની વૉટર સ્ક્રીન પર મલ્ટીમીડિયા લેઝર સાઉન્ડ શો સાથે ૧૬x૯ મીટરની બે અન્ય સ્ક્રીન અને ૩D પ્રોજેક્શનમાં ૭૦ મીટરની ૩ સ્ક્રીન દ્વારા મ્યુઝીકલ ફાઉન્ટેનનો નજારો લોકો માટે રોમાંચકારી બની રહેશે અને રાત્રીનાં સમયે આ ફાઉન્ટેન સમગ્ર વિસ્તારમાં રંગબેરંગી આકાશ જેવી આભા ઉપસાવશે.
સોમવાર સિવાય આ મ્યુઝિકલ ફાઉન્ટેનના દરરોજના ૨૫ મિનિટના ઓછામાં ઓછા બે સ્પેસ થીમ આધારીત શો યોજવામાં આવશે.
સાયન્સ સિટીમાં આ અદ્યતન ફાઇન્ટેનનાં લોકાર્પણ પ્રસંગે અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભા જૈન, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ શ્રી ધનંજય દ્વિવેદી, સાયન્સ સિટીના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.