Tuesday, January 21News That Matters

ધારાવી સોશિયલ મિશન: કૌશલ્ય તાલીમ થકી 100 યુવાનોના ભવિષ્યને ઉજ્જવળ બનાવાયું

નવભારત મેગા ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ (NMDPL)  હેઠળ ધારાવી સોશિયલ મિશન (DSM) ટીમ દ્વારા આયોજિત એ.સી રિપેર અને રિટેલ સેલ્સ અભ્યાસક્રમોમાંથી સ્નાતક થયેલા 100 વિદ્યાર્થીઓની જેવીએલઆર, મુંબઈ ખાતે AEMI ઓડિટોરિયમની હાજરી ગર્વ અપાવે તેવી હતી. આ અભ્યાસક્રમો ધારાવીના યુવાનોને ઉદ્યોગ-સંબંધિત કૌશલ્યોથી સજ્જ કરવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા, જેના દ્વ્રારા તેમના માટે  નવી તકના સર્જનની સાથે ઉજ્જવળ ભવિષ્યના દ્વ્રાર ખુલ્યા છે.

  ધારાવી સોશિયલ મિશન, કે જે ધારાવીના પુનર્વિકાસ પ્રયાસોનો એક મહત્વપૂર્ણ ભાગ છે, તે સમુદાયને કૌશલ્ય અને સશક્તિકરણ દ્વારા પરિવર્તનના માર્ગ પર લઈ ગયું છે. તેણે તેના વિનામુલ્યના  અને ઉદ્યોગ-સંબંધિત અભ્યાસક્રમો દ્વારા 175 સહભાગીઓને તાલીમ આપી છે, જેમાં મોબાઇલ રિપેર ટેકનિશિયન, બ્યુટી થેરાપિસ્ટ, એ.સી રિપેર ટેકનિશિયન અને રિટેલ સેલ્સ એસોસિયેટ જેવા ચાર કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આમાંથી, 100 થી વધુ વ્યક્તિઓને  રોજગાર મળ્યો છે જ્યારે અન્ય 50 લોકો સ્વરોજગાર તરફ આગળ વધ્યાં છે, જે આ મિશનની માનવીય પરિવર્તનના પ્રભાવને સાબિત કરે છે.

આ કોન્વોકેશનના કાર્યક્રમમાં ધારાવી ડ્રીમ્સ દ્વારા 20 મિનિટનું પ્રેરણાદાયી સાંસ્કૃતિક પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં ધારાવીના સંઘર્ષ અને તેના પુનર્વિકાસ માટેના વિઝનને સુંદર રીતે દર્શાવવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ કૌશલ્ય-આધારિત શિક્ષણની પરિવર્તનશીલ શક્તિ દર્શાવે છે, જે ધારાવીના રહેવાસીઓ માટે  આજીવિકાની તકના નિર્માણમાં મદદરૂપ થઇ રહ્યું છે. સ્નાતક થયેલા વિદ્યાર્થીઓએ તેમના પ્રેરણાદાયી અનુભવો જણાવ્યા હતા, જેમાં દરેકમાં આત્મવિશ્વાસ અને આશા છલકતી નજરે પડતી હતી.

એસી રિપેરીંગનો કોર્ષ પૂર્ણ કરનારા અને પીળા બંગલાના મુઈનુદ્દીન ખુર્શીદ ખાને જણાવ્યું હતું કે,  “મેં એ.સી રિપેર વિશે ટેકનિકલ જ્ઞાન મેળવ્યું છે અને એ પણ શીખ્યો કે જુદા જુદા સ્થાનો માટે કઇ ક્ષમતાના  એસી યુનિટ યોગ્ય છે. આ કોર્ષથી મારી કુશળતામાં વધારો થયો છે અને ધારાવી સ્થિત એક કંપની તરફથી નોકરીની ઓફર પણ મળી છે.”

નવાબ નગરના ખાન અમાદ અહેમદે, જેમણે એસી રિપેરનો કોર્ષ પૂર્ણ કર્યો હતો, તેમણે આ તક બદલ આભાર વ્યક્ત કરતા કહ્યું કે, “મેં મારા પરિવારના આગ્રહથી ધોરણ ૧૨ પછી આ વિનામુલ્યનો કોર્ષ કર્યો. ત્રણ મહિનાના કાર્યક્રમમાં ૧૫ દિવસની નોકરી સાથેની તાલીમ પણ સામેલ હતી. કોર્ષ પુર્ણ કરવાથી મારામાં કુશળતા આવી. મેં ધારાવી સ્થિત એક કંપનીમાં નોકરી મેળવી લીધી છે,  અને વધુ અનુભવ મેળવ્યા પછી મારો પોતાનો એ.સી રિપેરીંગનો વ્યવસાય શરૂ કરવાની દિશામાં વિચારી રહ્યો છું.”

રિટેલ સેલ્સ એસોસિયેટ ગ્રેજ્યુએટ્સે પણ તેમના કૌશલ્ય તાલીમ દરમિયાનના પ્રેરણાદાયી અનુભવો જણાવ્યા હતા. ઇન્દિરા નગરની આફરીને જણાવ્યું હતું કે, “આ તાલીમમાં મેં ગ્રાહક સેવા કૌશલ્ય, ગ્રાહક સાથે કેવી રીતે વર્તવું અને છૂટક વેચાણની મૂળભૂત બાબતો શીખી છે. મેં ૧૨મું ધોરણ પાસ કર્યું છે અને હવે હું સારી નોકરી મેળવવા અને મારી કારકિર્દી બનાવવામાં આત્મવિશ્વાસ અનુભવી રહ્યો છું.”  ગણેશ સ્કૂલ પાસે રહેતી મનીષા દાવલેએ કહ્યું, “આ કોર્ષે મને ગ્રાહક સેવા અને છૂટક કામગીરી વિશે શીખવ્યું. આનાથી મને આ સ્પર્ધાત્મક દુનિયામાં વધુ સારી નોકરી મેળવવામાં મદદ મળશે. આ કોર્ષ પોતાના ઘર પાસેથી જ કરવા મળતાં તેનો મહિલાઓ તેનો સારો લાભ મેળવી શકે છે.”

નવભારત મેગા ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ (NMDPL) ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “ધારાવી સોશિયલ મિશન DSM ના કૌશલ્ય વિકાસ કાર્યક્રમો ફક્ત રોજગાર મેળવવા અંગે નથી પરંતુ તે  જીવનની ગુણવત્તા બદલવા વિશે પણ છે. તેઓ ધારાવીના લોકોને વ્યવહારુ કૌશલ્યોથી સજ્જ કરે છે. જેના થકી અમે એક મજબૂત અને આત્મનિર્ભર સમુદાય નિર્માણ કરી રહ્યા છીએ. આ અભ્યાસક્રમો આર્થિક સ્વતંત્રતા અને સામાજિક ઉત્થાનના દ્વાર ખોલી રહ્યા છે.”

DSMએ હાલમાં ગેસ પાઇપલાઇન ફિટર કોર્સ પણ ચલાવી રહ્યું છે, જેમાં 25 સહભાગીઓ તાલીમ લઈ રહ્યા છે, જે ઉદ્યોગની જરૂરિયાતોને પૂર્ણ કરવા અને સમુદાય માટે નવી તકો ઊભી કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

આ કોન્વોકેશન સમારોહ  એક ઉત્સાહજનક નોંધ સાથે સમાપ્ત થયો, જેમાં સ્નાતકોએ તેમના નવા વ્યાવસાયિક જીવનમાં પગરણ માંડયા, તેમના પરિવારો અને સમાજમાં યોગદાન આપવા માટે તેઓ તૈયાર થયા. ધારાવી સોશિયલ મિશન સાબિત કરે છે કે સમર્પિત પ્રયાસો, કુશળતા, સશક્તિકરણ અને સમુદાયના સમર્થન દ્વારા કાયાપલટ શક્ય છે, અને ધારાવી માટે ઉજ્જવળ અને  આત્મનિર્ભર ભવિષ્યનો માર્ગ મોકળો કરી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *