VGGS : 2024, મહાત્મા મંદિર, ગાંધીનગર
શ્રી લક્ષ્મી મિત્તલ
આર્સેલરમિત્તલના ચેરમેન શ્રી લક્ષ્મી મિત્તલે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં વાઇબ્રન્ટ ગુજરાતની 20મી વર્ષગાંઠની મુલાકાતને યાદ કરી હતી અને વાઇબ્રન્ટ ગુજરાત સમિટના મેગા ગ્લોબલ ઇવેન્ટ માટે સંસ્થાગત માળખું ઊભું કરવા પ્રક્રિયા ચાલુ રાખવા પર વડાપ્રધાનશ્રીના ભારની પ્રશંસા કરી હતી. શ્રી મિત્તેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે ગુજરાત વર્ષોથી પોલીસી ડ્રિવન રાજ્ય રહ્યું છે અને પરિણામે ગુજરાત ભારતના વિકાસમાં પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આઈડિયા અને ઇમેજીનેશનથી શરૂ થયેલી આ વાઇબ્રન્ટ સમિટ આજે વૈશ્વિક સમિટ બની છે. આર્સેનલ મિત્તલ હજીરા ખાતે સ્ટીલ ઉત્પાદન માટેનો મેગા પ્રોજેક્ટ તૈયાર કરી રહ્યું છે. જેનો પ્રથમ તબક્કો વર્ષ ૨૦૨૬માં પૂર્ણ થશે, જ્યારે બીજા તબક્કા માટે પણ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ સમગ્ર પ્રોજેક્ટ વર્ષ ૨૦૨૯ સુધીમાં પૂર્ણ થશે. તેમણે વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચરના સિદ્ધાંતોમાં વડાપ્રધાનના વિશ્વાસ અને દરેક આંતરરાષ્ટ્રીય મંચ પર સાઉથ ગ્લોબલના અવાજને વૈશ્વિક સ્તરે મજબૂત કરવાના પ્રયાસોને વખાણ્યા હતા. દેશને આત્મનિર્ભર બનાવવા સ્ટીલના મહત્ત્વ પર ભાર મૂકીને શ્રી મિત્તલે વર્ષ 2021માં આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા હજીરા વિસ્તરણ પ્રોજેક્ટ શરૂ થયાને યાદ કરીને જાણકારી આપી હતી કે, પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો વર્ષ 2026ના નિર્ધારિત લક્ષ્યાંક પૂર્ણ થશે. તેમણે રિન્યુએબલ એનર્જી અને ગ્રીન હાઇડ્રોજન જેવા ગ્રીન સેક્ટરમાં રોકાણ કરવા અંગે પણ વાત કરી.
તોશિહિરો સુઝૂકી
સુઝૂકીના પ્રમુખ તોશિહિરો સુઝૂકીએ જણાવ્યું હતું કે છેલ્લાં ૧૦ વર્ષથી વડાપ્રધાન શ્રી નરેદ્રભાઈ મોદીના નેતૃત્વમાં ઓટોમોબાઈલ ઉદ્યોગનો વિકાસ થઈ રહ્યો છે અને સમગ્ર દેશમાં ઓટોમોબાઈલ ઉત્પાદનની ક્ષમતામાં પણ વધારો જોવા મળ્યો છે. ભારત હવે વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઇલ બજાર બની ગયું છે, એમ જણાવતાં શ્રી સુઝુકીએ દેશના આર્થિક વિકાસ પર વડાપ્રધાનના પ્રગતિશીલ અભિગમની અસર પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ઇથેનોલ, ગ્રીન હાઇડ્રોજન અને ગાયના છાણમાંથી બાયોગેસના ઉત્પાદન દ્વારા ગ્રીનહાઉસ ઉત્સર્જનને ઘટાડવામાં ફાળો આપવા ખાતરી આપી હતી. તેમણે સુઝુકી, ગ્રુપ રાષ્ટ્રીય ડેરી ડેવલપમેન્ટ બોર્ડ અને બનાસ ડેરી સાથે મળીને બાયોગેસ ઉત્પાદન શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી. સુઝુકી દ્વારા ગુજરાતમાં 4 બાયોગેસ પ્લાન્ટનું બાંધકામ શરૂ કરી દેવાયું છે, એમ તેમણે ઉમેર્યું હતું.
શ્રી મૂકેશ અંબાણી
રિલાયન્સ ગ્રૂપના વડા શ્રી મૂકેશ અંબાણીએ વાઇબ્રન્ટ ગુજરાતને આજે વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ઇન્વેસ્ટમેન્ટ સમિટ તરીકે ઓળખાવીને જણાવ્યું કે આ પ્રકારની અન્ય કોઈ સમિટ સતત 20 વર્ષથી ચાલી રહી નથી અને મજબૂતીથી આગળ વધી રહી છે. તેમણે કહ્યું હતું કે, આ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તેમના વિઝન અને સાતત્યતા માટે અભિનંદનને પાત્ર છે. ગુજરાતી મૂળના લોકો પર ગર્વ વ્યક્ત કરતા શ્રી અંબાણીએ ગુજરાતની કાયાપલટનો શ્રેય વડાપ્રધાનશ્રીને આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન જ્યારે બોલે છે, ત્યારે માત્ર દુનિયા જ બોલતી નથી, પરંતુ તેને બિરદાવે છે. તેમણે ભારતના વડાપ્રધાન કેવી રીતે અશક્યને શક્ય બનાવે છે – ‘મોદી હૈ તો મુમકિન હૈ’ તે અંગે વિસ્તૃત વર્ણન કર્યું હતું અને કહ્યું હતું કે આ સૂત્ર વૈશ્વિક પ્રેક્ષકોમાં પડઘો પાડે છે, એવું તેમણે ઉમેર્યું હતું. રિલાયન્સે છેલ્લાં 10 વર્ષમાં વર્લ્ડ ક્લાસ એસેટ્સ બનાવવા માટે સમગ્ર ભારતમાં 150 બિલિયન અમેરિકન ડોલરનું રોકાણ કર્યું છે, જેમાંથી એક તૃતીયાંશથી વધુનું રોકાણ માત્ર ગુજરાતમાં જ કરવામાં આવ્યું છે. શ્રી અંબાણીએ ગુજરાતને 5 વચનો આપ્યાં હતાં. પહેલું, રિલાયન્સ આગામી 10 વર્ષમાં નોંધપાત્ર રોકાણ સાથે ગુજરાતની વિકાસગાથામાં અગ્રણી ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે, ખાસ કરીને રિલાયન્સ ગ્રીન ગ્રોથમાં ગુજરાતને વૈશ્વિક અગ્રણી બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. જામનગરમાં 5000 એકરનું ધીરૂભાઈ એનર્જી ગીગા કોમ્પલેક્ષ બની રહ્યું છે જે 2024ના ઉત્તરાર્ધમાં જ કાર્યરત થવા માટે તૈયાર થઈ જશે. 5Gના સૌથી ઝડપી રોલ આઉટને કારણે આજે ગુજરાત સંપૂર્ણપણે 5G સક્ષમ છે. આનાથી ગુજરાત ડિજિટલ ડેટા પ્લેટફોર્મ અને એઆઈ અપનાવવામાં અગ્રેસર બનશે. રિલાયન્સ રિટેલ ગુણવત્તાયુક્ત ઉત્પાદનો લાવવા અને લાખો ખેડૂતો અને નાના વેપારીઓને મદદના પગલાને વિસ્તૃત કરશે. તેમણે જણાવ્યું હતું કે, રિલાયન્સ નવી સામગ્રી અને સર્ક્યુલર ઇકોનોમીમાં ગુજરાતને અગ્રેસર બનાવશે. આ જૂથ હજીરામાં વિશ્વ કક્ષાની કાર્બન ફાઇબર સુવિધા સ્થાપિત કરી રહ્યું છે. વડાપ્રધાનની 2036ના ઓલિમ્પિકની યજમાની માટેના ઇરાદાની જાહેરાત અનુસાર, રિલાયન્સ અને રિલાયન્સ ફાઉન્ડેશન ગુજરાતમાં રમતગમત, શિક્ષણ અને કૌશલ્ય માળખાગત સુવિધામાં સુધારો કરવા માટે, પ્રયાસો કરવા માટે અન્ય કેટલાક ભાગીદારો સાથે જોડાશે. વડાપ્રધાન અગાઉ કહેતા હતા કે, ‘ભારતનાં વિકાસ માટે ગુજરાતનો વિકાસ’, હવે વડાપ્રધાન તરીકે તમારું મિશન વૈશ્વિક વૃદ્ધિ માટે ભારતનાં વિકાસનું છે. માત્ર બે દાયકામાં ગુજરાતથી ગ્લોબલ સ્ટેજ સુધીની તમારી સફરની કહાની કોઈ આધુનિક મહાકાવ્યથી ઓછી નથી. આવનારી પેઢીઓ રાષ્ટ્રવાદી અને આંતરરાષ્ટ્રીયવાદી બંને માટે વડાપ્રધાનની આભારી રહેશે. તમે વિકસિત ભારતનો મજબૂત પાયો નાખ્યો છે.” પૃથ્વી પરની કોઈ શક્તિ ભારતને 2047 સુધીમાં 35 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનતા અટકાવી શકશે નહીં. ગુજરાત એકલું જ 3 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બની રહ્યું છે. દરેક ગુજરાતી અને દરેક ભારતીયને વિશ્વાસ છે કે મોદી યુગ ભારતને સમૃદ્ધિ, પ્રગતિ અને ગૌરવના નવા શિખરો પર લઈ જશે.”
શ્રી સંજય મેહરોત્રા
શ્રી સંજય મેહરોત્રા, માઇક્રોન ટેક્નોલોજીસ, યુએસએના સીઇઓએ દેશને સેમીકન્ડક્ટર ઉત્પાદન માટે ખુલ્લું મૂકવાના વિઝન માટે વડાપ્રધાનનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, ભવિષ્યમાં તે એક મોટું આર્થિક ચાલકબળ બનશે, કારણ કે ભારત દુનિયામાં ત્રીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બનવાની દિશામાં આગેકૂચ કરી રહ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ સેમીકન્ડક્ટર પાવર તરીકે ભારતના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ વિઝનરી વિચારોને પ્રસ્તુત કરે છે તથા આ ક્ષેત્રમાં વૃદ્ધિની બહુવિધ તકો પર પ્રકાશ પણ પાડે છે. તેમણે આ સુવિધા માટે ટાટા પ્રોજેક્ટ્સ સાથે માળખાગત ભાગીદારીનો ઉલ્લેખ કરતાં ગુજરાતમાં વૈશ્વિક કક્ષાની મેમરી એસેમ્બલી અને ટેસ્ટ સુવિધા સ્થાપિત કરવામાં મદદ કરવા બદલ રાજ્ય અને કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો. તેમણે માહિતી આપી હતી કે, 5,00,000 ચોરસ ફૂટને આવરી લેતો પ્રથમ તબક્કો વર્ષ 2025ની શરૂઆતમાં કાર્યરત થઈ જશે, જેથી આગામી વર્ષોમાં 5,000 સીધી રોજગારી અને 15,000 વધારાની સામુદાયિક રોજગારીનું સર્જન થશે. તેમણે જણાવ્યું હતું કે, “બંને તબક્કાઓમાં માઇક્રોન અને સરકાર દ્વારા સંયુક્ત રોકાણ 2.75 અબજ અમેરિકન ડોલર સુધી પહોંચી શકે છે.” સેમીકન્ડક્ટર ઉદ્યોગમાં ભારતમાં રોકાણ કરવામાં એન્કરની ભૂમિકા નિભાવવામાં કંપનીની ભૂમિકાને રેખાંકિત કરીને તેમણે સમાપન કર્યું.
શ્રી ગૌતમ અદાણી
શ્રી ગૌતમ અદાણી, અદાણી ગ્રૂપના ચેરમેને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની અત્યાર સુધીની દરેક આવૃત્તિમાં સામેલ થવા બદલ ગર્વની લાગણી વ્યક્ત કરી હતી. શ્રી અદાણીએ તેમની કાર્યશૈલી, મહત્વાકાંક્ષાઓ, સુશાસન અને ચુસ્ત અમલીકરણની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2014થી અત્યાર સુધીમાં ભારતની જીડીપીમાં 18.5 ટકા અને માથાદીઠ આવકમાં 165 ટકાનો વધારો થયો છે, જે ખાસ કરીને ભૌગોલિક રાજકીય અસ્થિરતા અને મહામારીના પડકારોથી ઘેરાયેલા યુગમાં નોંધપાત્ર છે. તેમણે વૈશ્વિક મંચ પર પોતાનો અવાજ બુલંદ કરવા ઇચ્છતા દેશમાંથી હવે વૈશ્વિક મંચનું નિર્માણ કરતાં દેશ સુધીની સફર પર પ્રકાશ પાડ્યો હતો. ભારતના જી20ના પ્રમુખપદ દરમિયાન આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની શરૂઆત અને વડાપ્રધાનના નેતૃત્વનો ઉલ્લેખ કરીને શ્રી અદાણીએ કહ્યું હતું કે, વધુ સર્વસમાવેશક વૈશ્વિક વ્યવસ્થા માટે માપદંડો સ્થાપિત થયા છે, એ ભારતીય ઇતિહાસમાં એક નિર્ણાયક ક્ષણ છે. શ્રી અદાણીએ જણાવ્યું હતું કે ભારતને વિશ્વના સૌથી ઝડપથી વિકસતા રાષ્ટ્ર બનવા માટે પુનર્જીવિત કરવા અને વસુધૈવ કુટુમ્બકમ અને વિશ્વ ગુરુની ફિલસૂફીથી પ્રેરિત દેશને વૈશ્વિક સોશિયલ ચેમ્પિયન તરીકે સ્થાન આપવા માટે વડાપ્રધાનને શ્રેય આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2047 સુધીમાં ભારતને ‘વિકાસશીલ ભારત’ બનાવવાના વડાપ્રધાનનાં વિઝનને કારણે આજનું ભારત આવતીકાલના વૈશ્વિક ભવિષ્યને આકાર આપવા સજ્જ છે. તેમણે અગાઉ જાહેર કરેલ રાજ્યમાં 2025 સુધીમાં રૂ.55,000 કરોડના રોકાણ સામે અત્યાર સુધીમાં રૂ.50,000 કરોડનું રોકાણ થઈ ચૂક્યાની જાણકારી આપી હતી. તેમણે સ્વચ્છ ભારત માટે ગ્રીન સપ્લાય ચેઇન તરફ વિસ્તરણ કરવા અને સૌર પેનલ્સ, વિન્ડ ટર્બાઇન, હાઇડ્રો ઇલેક્ટ્રોલાઇઝર્સ, ગ્રીન એમોનિયા, પીવીસી સહિત સૌથી મોટી સંકલિત પુનઃપ્રાપ્ય ઊર્જા ઇકોસિસ્ટમ ઊભી કરવા તથા કોપર અને સિમેન્ટ પ્રોજેક્ટ્સમાં વિસ્તરણ વિશે પણ વાત કરી હતી. તેમણે અદાણી ગ્રુપની ગુજરાતમાં આગામી 5 વર્ષમાં 2 લાખ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવાની યોજના વિશે માહિતી આપી હતી, જેથી 1 લાખથી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું સર્જન થશે.
શ્રી જેફરી ચુન
શ્રી જેફરી ચુન, સીઈઓ, સિમ્મટેક, દક્ષિણ કોરિયાએ સેમીકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ સુવિધાઓમાં મુખ્ય સપ્લાય ચેઇન પાર્ટનર તરીકે ગુજરાત રાજ્યમાં તેમના મુખ્ય ગ્રાહક માઇક્રોનના પ્રોજેક્ટને પગલે કો-લોકેશન રોકાણ તરીકે તેમના ભારત પ્રોજેક્ટ માટે આનંદ અને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ભારત જેવા ઝડપથી વિકસતાં દેશમાં નવા સપ્લાઇ ચેન નેટવર્કનું નિર્માણ કરવાના વૈશ્વિક અભિયાનમાં મહત્ત્વપૂર્ણ કડી પુરવાર થશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ સહિયારા પ્રયાસોથી સેમીકન્ડક્ટર સપ્લાય ચેન નેટવર્કમાં ભારતનું સ્થાન આગામી સમયમાં મજબૂત બનશે વૈશ્વિક ઇકોસિસ્ટમનો ભાગ બનવા માટે સક્ષમ બની રહેશે.
શ્રી એન. ચંદ્રશેખરન
શ્રી એન. ચંદ્રશેખરન, ચેરમેન, ટાટા સન્સ લિમિટેડે કહ્યું હતું કે, ‘આટલા લાંબા સમય સુધી ગુજરાતની સ્થિર અને અદભુત પ્રગતિ દૂરંદેશી નેતૃત્વ અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પોને સ્પષ્ટપણે દર્શાવે છે.’ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આર્થિક વિકાસનાં પરિણામે જબરદસ્ત સામાજિક વિકાસ પણ થયો છે અને ગુજરાતે સ્પષ્ટપણે પોતાને ભવિષ્યનાં પ્રવેશદ્વાર (ગેટ વે ટુ ધ ફ્યુચર) તરીકે સ્થાપિત કર્યું છે. સ્થાપક જમશેદજી ટાટાનો જન્મ નવસારીમાં થયો હોવાનું યાદ કરીને તેમણે ગુજરાતમાં ટાટા જૂથની ઉત્પત્તિ પર પ્રકાશ પાડ્યો હતો. આજે રાજ્યમાં ટાટા ગ્રૂપની ૨૧ કંપનીઓની મજબૂત હાજરી છે. તેમણે ગુજરાતમાં ઇવી વાહનો, બેટરી ઉત્પાદન, સી295 ડિફેન્સ એરક્રાફ્ટ અને સેમીકન્ડક્ટર ફેબ, એડવાન્સ મેન્યુફેક્ચરિંગ સ્કિલ બિલ્ડિંગનાં ક્ષેત્રોમાં ગ્રૂપની વિસ્તરણ યોજના વિશે પણ વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, “ટાટા ગ્રૂપ માટે ગુજરાત સૌથી મહત્ત્વપૂર્ણ ડેસ્ટિનેશન્સમાંનું એક છે અને અમે તેની વિકાસ યાત્રામાં મુખ્ય ભૂમિકા ભજવીશું.”
શ્રી સુલતાન અહમદ બિન સુલેયમ
ડી.પી. વર્લ્ડના ચેરમેન, શ્રી સુલતાન અહમદ બિન સુલેયમે જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત માટે વડાપ્રધાનનું વિઝન સાકાર થતાં આનંદ થાય છે, તેમણે સમિટનું આયોજન કરવા બદલ ગુજરાત સરકારને અભિનંદન આપ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ભારતની પ્રતિષ્ઠિત બિઝનેસ ફોરમ સ્વરૂપે વિકસી છે અને તે વડાપ્રધાનના ‘વિકસિત ભારત @ 2047’ના વિઝન અનુસાર કાર્યરત છે. તેમણે ગિફ્ટ સિટી, ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન અને ગુજરાત મેરિટાઇમ ક્લસ્ટર જેવા વિવિધ ઔદ્યોગિક ક્લસ્ટર વિકસાવવા અને તેને પ્રોત્સાહન આપવા માટે સરકારને શ્રેય આપ્યો હતો અને જણાવ્યું હતું કે તે ભવિષ્યના પ્રવેશદ્વાર તરીકે કામ કરશે. ભારત અને યુએઈ વચ્ચેના દ્વિપક્ષીય આર્થિક સંબંધો પર પ્રકાશ પાડતા તેમણે વર્ષ 2017થી અત્યાર સુધીમાં 2.4 અબજ ડોલરથી વધુનું રોકાણ કરનાર આ દેશ ગુજરાતના સૌથી મોટા વિદેશી રોકાણકારોમાંનો એક હોવાનું જણાવ્યું હતું. તેમણે ઉલ્લેખ પણ કર્યો હતો કે, ગુજરાતે ગયા વર્ષે 7 અબજ અમેરિકન ડોલરથી વધારે કિંમતની ચીજવસ્તુઓની નિકાસ કરી હતી. ભારત દુનિયામાં સૌથી વધુ ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર છે તેની નોંધ લઈને શ્રી સુલેયેમે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વડાપ્રધાનના મજબૂત નેતૃત્વ હેઠળ આ વૃદ્ધિ ચાલુ રહેશે. તેમણે ગતિશક્તિ જેવી રોકાણની પહેલને પણ શ્રેય આપ્યો જે ભારત અને ગુજરાતને આર્થિક પાવરહાઉસ તરીકેની તેમની સંભવિતતાને સમજવામાં મદદ કરશે. તેમણે ગુજરાતના કંડલા ખાતે 20 લાખ કન્ટેનરની ક્ષમતા ધરાવતા અત્યાધુનિક કન્ટેનર ટર્મિનલ્સના રોકાણ અને વિકાસ માટે ડીપી વર્લ્ડની યોજના વિશે માહિતી આપી હતી. તેમણે ભારત સરકાર સાથે દેશના લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણમાં ભાગીદારી કરવા બદલ ગર્વની લાગણી વ્યક્ત કરી હતી અને વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં સહભાગી બનવાની તક આપવા બદલ ગુજરાત સરકારનો આભાર માન્યો હતો.
શ્રી શંકર ત્રિવેદી
શ્રી શંકર ત્રિવેદી, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ, એનવિડિયાએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધતાં પ્રભાવની વાત કરીને જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન આ બાબતે અત્યંત સભાન છે અને તેમણે એનવીડિયાના સીઇઓ શ્રી જેન્સન હુઆંગને ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ-નેતાઓને આ અંગે જાણકારી આપવા આમંત્રણ આપ્યું હતું અને કહ્યું હતું કે “આ પહેલીવાર છે જ્યારે કોઈ વૈશ્વિક નેતાએ ખરેખર એઆઈ વિશે વાત કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું વડાપ્રધાનશ્રીના આભારી છીએ કે તેમણે ભારતમાં જ અહીં ગુજરાતમાં પણ જનરેટિવ એઆઈને અપનાવવા માટે પ્રયાસો કર્યા છે. જનરેટિવ એઆઈના સંદર્ભે કૌશલ્ય વિકાસમાં એનવીડિયાના પ્રયાસો વિશે વાત કરતાં તેમણે મેક ઇન ઇન્ડિયા માટે એનવીડિયાના પ્રયાસોની પણ રૂપરેખા આપી હતી.
શ્રી નિખિલ કામત
નિખિલ કામત, ઝીરોધાના સ્થાપક અને સીઈઓએ છેલ્લા બે દાયકામાં દેશના સર્વાંગી વિકાસ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે એક ઉદ્યોગસાહસિક તરીકેની તેમની યાત્રાની તુલના કરી હતી. તેમણે ટિપ્પણી કરી હતી કે છેલ્લાં ૧૦ વર્ષ અવિશ્વસનીય રહ્યા છે. તેમણે દેશની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને નાના ઉદ્યોગસાહસિકો અને ઈ-કોમર્સના ઉદયને બિરદાવ્યો હતો, જે 10 વર્ષ પહેલાં નહોતું. તેમણે સ્ટાર્ટઅપ્સને ખીલવા દેતી સ્થિર ઇકોસિસ્ટમની સુવિધા માટે વડાપ્રધાનને શ્રેય આપ્યો.