‘ભારતની સિલિકોન વેલી’ બેંગલુરૂમાં યોજાયો વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 માટેનો રોડ શૉ
વાઈબ્રન્ટ ગુજરાત 2024ના પ્રતિનિધિમંડળે 9 નવેમ્બરના રોજ ગુજરાત સરકારના માનનીય ઉદ્યોગ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતના નેતૃત્વમાં બેંગલુરૂ ખાતે સફળતાપૂર્વક રોડ શૉ સંપન્ન કર્યો. આ પ્રસંગે ગુજરાત સરકારના અધિકારીઓ સહિત પ્રતિષ્ઠિત ઉદ્યોગ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નવી દિલ્હીમાં કર્ટેન રેઇઝર કાર્યક્રમની સફળતા પછી, ગુજરાત સરકારે મુંબઈ, ચંદીગઢ, કોલકાતા, ચેન્નાઈ અને લખનઉમાં પણ રોડ શૉનું આયોજન કર્યું હતું. આ સાથે ગુજરાત સરકારે જાપાન, જર્મની, ઈટાલી, ડેન્માર્ક, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, યુએઈ, વિયેતનામ, દક્ષિણ કોરિયા અને યુએસએમાં પણ વૈશ્વિક સ્તરે વાઈબ્રન્ટ ગુજરાત 2024 માટેના રોડ શૉનું આયોજન કર્યું હતું. બેંગલુરૂ રોડ શૉનું આયોજન રાજ્યની ગતિશીલ નીતિઓ અને વહીવટની અપાર સંભાવનાઓ દર્શાવવા માટે કરવામાં આવ્યું હતું, ...


